Pages

Saturday, December 8, 2012

ગઝલ


શ્વાસનો પ્હેરો ભરીને કોઈ રખવાળું કરે છે.
સાવ અંદર સંચરીને કોઈ રખવાળું કરે છે.
ડૂબતો જીવ આપોઆપ ઊગરશે અંતે,
પાંદડાં રૂપે ખરીને કોઈ રખવાળું કરે છે.
પ્હાડ પીડાના બધાયે પીગળી જાશે તમારા,
પ્રેમનો પાલવ ધરીને કોઈ રખવાળું કરે છે.
આંગણામાં ઝેરનું ઝાડ ઊગે છે છતાંયે
પ્રાણવાયુ પાથરીને કોઈ રખવાળું કરે છે.
ગાઢ જંગલમાં નથી ચિંતા ચરણને ચાલવાની,
અધવચાળે આંતરીને કોઈ રખવાળું કરે છે.
તાગતાં તળ બધાંયે આખરે તો છે સલામત,
છેક ઊંડે ઊતરીને કોઈ રખવાળું કરે છે.
આમ તો છે અગોચર ક્યાંય દેખાતું નથી પણ,
વ્યોમ માફક વિસ્તરીને કોઈ રખવાળું કરે છે.
નીતિન વડગામા

No comments:

Post a Comment