Pages

Monday, December 17, 2012

તો કહેવાય નહીં


આજ કલમ કંઈક ધખધખતું લખવા કરે છે,
લાગણી ધગીને લાવા થયો હોય તો કહેવાય નહીં.
 કંપારી કલમની છે કે હાથની ખબર નથી,
મહીં હળાહળ વલોવાતું હોય તો કહેવાય નહીં.
કાષ્ઠ-હૃદયનું વલોણું લાવ ને જરી ફેરવી જોઉં,
સાચ-જૂઠ અલગ પડી જાય તો કહેવાય નહીં.
આમ તો જિંદગીનો દરિયો સાવ ખારો  મળ્યો છે,
તળિયે ક્યાંક શબ્દો પડ્યા હોય તો કહેવાય નહીં
જમાનાની દુર્દશા માટે, જો કે દુર્જનો  નિંદાય છે,
કહેવાતા સજ્જનોનો  હાથ હોય તો કહેવાય નહીં.
મંદિર, મસ્જિદ કે દેવળમાં હવે હું જતાં ડરું છું,
શેતાન ત્યાં પણ છુપાયેલો હોય તો કહેવાય નહીં.
મારા દોસ્તોની યાદીમાં જેઓનાં નામ મોખરે છે,
તેના શત્રુઓની યાદીમાં હું હોઉં તો કહેવાય નહીં.
જીવન-પરીક્ષાના કોયડા, સાચા ઉકેલી શક્યો નથી,
કૃપા-ગુણથી હંસ પાસ થઈ જાય તો કહેવાય નહીં.
 એચ. બી. વરિયા

No comments:

Post a Comment