એકલાને એકલાથી કંઈ ના વળે
ભળે સૂરમાં સંગીત તો રંગતો આવી મળે
ભળે સૂરમાં સંગીત તો રંગતો આવી મળે
સ્નીગ્ધ ધારા સમર્પણે વાટને સિંચ્યા કરે
પ્રગટે જ્યોત ને પુનિત અજવાળાં આવી મળે
પ્રગટે જ્યોત ને પુનિત અજવાળાં આવી મળે
મીઠડાં જળ ધરાએ અંકુરને હૂંફથી પોષ્યા કરે
વનરાજીને ખોળે વિહંગોના કલરવ આવી મળે
વનરાજીને ખોળે વિહંગોના કલરવ આવી મળે
સજી શણગાર સુમન જો મનભરી મ્હેંકી ઊઠે
વસંતના વહાલ આંગણે અનંગ સંગ આવી મળે
વસંતના વહાલ આંગણે અનંગ સંગ આવી મળે
કિરણના સપ્ત સંદેશ આભલે જો જળ ઝીલે
ગગન શોભાવતું મેઘધનુષ ખીલતું આવી મળે
ગગન શોભાવતું મેઘધનુષ ખીલતું આવી મળે
અમૃત હેલીએ સુધાકર સાગરને સ્નેહથી ભરે
દિશા ગજવતો પ્રેમનો ઘૂઘવાટ મોજાંમાં આવી રમે
દિશા ગજવતો પ્રેમનો ઘૂઘવાટ મોજાંમાં આવી રમે
અધરથી વાંસળીમાં જો વહાલના સૂરો સરે
માધવને વૃન્દાવને ઘેલી રાધા દોડી આવી મળે
માધવને વૃન્દાવને ઘેલી રાધા દોડી આવી મળે
ચાર દિવાલોમાં જીંદગી પૂરે કાંઈ ના વળે
મેળામાં મહાલો આકાશદીપ તો માણીગર આવી મળે
મેળામાં મહાલો આકાશદીપ તો માણીગર આવી મળે
- રમેશ પટેલ
No comments:
Post a Comment